પહેલાં આપો, પછી મેળવો.
એ પ્રશ્ન વિચારણીય છે કે મહાપુરુષો પોતાની પાસે આવનારાઓ પાસે સદૈવ યાચના શા માટે કરે છે? મનન કર્યા પછી મને સમજાયું કે ત્યાગથી વધારે મોટો પ્રત્યક્ષ અને તરત ફળ આપનારો બીજો કોઈ ધર્મ નથી. ત્યાગની કસોટી માનવીના ખરાખોટા સ્વરૂપને દુનિયાની સામે રજૂ કરે છે. મનમાં જામેલા કુસંસ્કારો અને વિકારોના બોજને હલકો કરવા માટે ત્યાગતી વધારે સારું બીજું કોઈ સાધન નથી.
જો તમે દુનિયા પાસેથી કંઈક મેળવવા ઈચ્છતા હો, વિદ્યા, બુદ્ધિ ગમે તે પ્રાપ્ત કરવા ઈચ્છતા હો તો ત્યાગ કરો. ગાંઠે બાંધેલું કંઈક છોડો. કોઈ વસ્તુ લૂંટના માલની જેમ મફતમાં મળતી નથી. આપો, તમારી પાસે પૈસા, રોટી, વિદ્યા, શ્રદ્ધા, સદાચાર, ભક્તિ, પ્રેમ, સમય, શરીર જે કાંઈ હોય તે છૂટા હાથે દુનિયાને આપો, બદલામાં આપને અનેકગણું મળશે. ગૌતમ બુદ્ધે રાજસિંહાસનનો ત્યાગ કર્યો,
ગાંધીજીએ પોતાની વકીલાત છોડી, પરંતુ એમણે જે છોડ્યું એનાથી વધારે મેળવ્યું. વિશ્વકવિ રવીન્દ્રનાથ ટાગોર પોતાની એક કવિતામાં કહે છે કે તેણે હાથ ફેલાવીને મારી પાસે કંઈક માગ્યું. મેં મારી ઝોળીમાંથી અન્નનો એક દાણો એને આપી દીધો. સાંજે મેં જોયું કે ઝોળીમાં એવડો જ એક સોનાનો દાણો મોજૂદ હતો. હું ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો કે મેં મારું સર્વસ્વ શા માટે ના આપી દીધું કે જેનાથી હું ભિખારીમાંથી રાજા બની જાત? અખંડજ્યોતિ , માર્ચ-19 40, પેજ-9
0 comments:
Post a Comment