ગાયત્રી છંદનો એક પ્રકાર છે. વેદમાં ગાયત્રી, અનુષ્ટુપ, જગતી, બૃહતી વગેરે અનેક છંદો છે. તેમાં મુખ્ય ગાયત્રી અને અનુષ્ટુપ છંદ છે. ગાયત્રી છંદમાં ૮ અક્ષરના ત્રણ ચરણો કુલ મળીને ૨૪ અક્ષરો થાય છે. સૌથી લોકપ્રિય સવિતા (સૂર્યનારાયણ) ગાયત્રી મંત્ર છે.
ૐ ભૂર્ભુવર્સ્વ: તત્સવિતુર્વરેણ્યમ્ ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યોન: પ્રચોદયાત્ (ઋગ્વેદ, ૩/૬૨/૧૦, યજુર્વેદ ૩/૩૫)
ભાવાર્થ: પૃથ્વી, આકાશ અને સ્વર્ગલોક એમ ત્રણેય જગતને પ્રકાશિત કરનારા હે પરમ તેજસ્વી સવિતાદેવ, અમે આપનું ધ્યાન કરીએ છીએ. આપ અમારી બુદ્ધિને પ્રકાશિત કરી અમારો ઉત્કર્ષ કરો!
અહીં ભૂ:, ભુવ: અને સ્વ: એમ ત્રણ વ્યાહૃતિઓ છે. (વ્યાહૃતિઓને બાદ કરતાં ચોવીસ અક્ષર થાય છે.) જે ત્રણ લોક અથવા આપણા અસ્તિત્વનાં ત્રણ સ્તરો- સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીરનું પ્રતિનિધિત્વ કરે છે. સવિતા પ્રકાશ અને જ્ઞાનના દેવતા છે. આ બુદ્ધિને સન્માર્ગે રહે તેવી પ્રાર્થના છે.
માનસકાર કહે છે, ‘જહાં સુમતિ તહાં સંપતિ નાના જહાં કુમતિ તહાં વિપતિ નિદાના!’ સન્મતિથી મળે સર્વસંપદા અને કુમતિથી વિપત્તિ. કેવો પ્રેક્ટિકલ મંત્ર છે! બીજા દેવતાનાં ગાયત્રી મંત્રો પણ છે. જેમ કે,
ગણેશ ગાયત્રી - એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત્;
શિવગાયત્રી - તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર: પ્રચોદયાત્;
વિષ્ણુગાયત્રી - નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો કૃષ્ણ: પ્રચોદયાત્;
હનુમાન ગાયત્રી - આંજનેયાય વિદ્મહે વાયુપુત્રાય ધીમહિ તન્નો હનુમાન્ પ્રચોદયાત્ વગેરે.
ઇષ્ટદેવતાની ઉપાસના જે તે ગાયત્રી મંત્રથી થઇ શકે. જો કે સવિતા ગાયત્રી મંત્રનું વિશેષ મહત્ત્વ છે.
સવિતા: પ્રસવિતા! જે પ્રસવ કરે તે સવિતા. આપણે જાણીએ છીએ કે પૃથ્વી સહિતના સૌરમંડળના નવ ગ્રહોની ઉત્પત્તિ સૂર્યમાંથી થઇ છે. સવાર પડે અને આખું જગત જાગી ઊઠે. માણસ તો ઠીક, પશુ-પંખી અને વનસ્પતિ પણ! સૂર્યની ઊર્જા વિના કશું સંભવે ખરું? આપણી જોવાની શક્તિ અને સાત રંગો પણ સૂર્યના કિરણોની જ દેણ છે. એ સાત રંગો એ જ સૂર્યનારાયણના સાત ઘોડા! સૂરજદાદાની નિયમિતતા તો જુઓ! એ ક્યારેય મોડા પડે ખરા? વળી એમનો પ્રેમ પણ પૂર્વગ્રહ કે પક્ષપાત વગરનો છે. સુંદર મજાના ફૂલ હોય કે ઉકરડો - બધે જ સરખો પ્રકાશ આપે. સૂરજના તાપથી વરસાદ પડે, અનાજ પાકે, ઋતુઓ સર્જાય, ફળફુલ મળે અને વાતાવરણ ચોખ્ખું થાય! સૂર્યની ઊર્જા વિના આપણું જીવન સંભવ ખરું? કહે છે કે જેની ઉપાસના કરો, તેવા જ બનો. સૂર્ય જેવા તેજસ્વી બનવું કોને ન ગમે?
આધુનિક સમયમાં ગાયત્રીમંત્ર પર ખૂબ સંશોધન થયું છે. તેની હકારાત્મક અસરો અંગે અઢળક વૈજ્ઞાનિક પુરાવા પણ મળી આવે છે. ગાયત્રીની સાધનાથી મન શાંત રહે છે. યાદશક્તિ સતેજ થાય છે. આરોગ્ય સારું રહે છે. તર્ક અને સમજશક્તિ કેળવાય છે. ધ્યાનશક્તિ વધે એટલે કામકાજમાં આપોઆપ સફળતા મળે. બુદ્ધિનો ઉદય અથવા રચનાત્મક ઉપયોગની પ્રાર્થના પોતે જ કેટલી પ્રોગ્રેસિવ છે! હજારો વર્ષથી ગાયત્રી ઉપાસના થતી રહી છે, થતી રહેશે.
ગાયત્રી ઉપાસના કઇ રીતે કરવી?
સવારમાં વહેલા ઊઠી સ્નાન કરીને સૂર્યનમસ્કાર સાથે પ્રાણાયામ કરીએ. કૂમળો તડકો વિટામિન ''ડી'' આપે અને સૂર્યને તાંબાના કળશથી ધરેલ અર્ધ્યનું જળ પીવું આરોગ્યપ્રદ છે. આ બધાં સાથે ગાયત્રી મંત્રની નિયમિત એક માળા એકાગ્રતા અને આત્મવિશ્વાસ વધારે છે. આવો, વેદના ઋષિનો કૃપાપ્રસાદ પ્રાપ્ત કરી સો વર્ષનું સુખી, રચનાત્મક અને કાર્યક્ષમ આયુષ્ય ભોગવીએ.
0 comments:
Post a Comment